ઝેન

જીવન નું માત્ર બૌધ્ધિક ભાષ્ય નિરર્થક છે. તેના થકી ખંડો સમજી શકાય અખંડ નહી. બૌધ્ધોની ઝેન કેડી એમ માને છે કે સાધક ક્યારેક અનુભવથી બચી જવા મતો અને માન્યતાઓનો સંગ્રહ કરતો જાય છે. સાચ્ચું ઝેન કે જીવન સ્થગિત વિગતો અને વિચારોમાં નહી પણ વહેણમાં છે. ઝેન કોઇ દોડેલ, થાકેલ અને હારેલ ચિત્તનું તત્વજ્ઞાન નથી પણ અવિરત ઊજવાતા જીવનોત્સવ માં ભાગીદારી છે. નિરર્થક નકશાઓ ફેંકીને ચાલી નિકળવુંતે ઝેન છે. ઝેનનો પ્રથમ પાઠ છે કે બધા પાઠો ખંખેરી નાખવા. ખુબ સામાન સાથેજાત્રા ન થાય.

જાપાનમાં મૈજી યુગ (ઇ.સ.૧૮૬૮-૧૯૧૨) દરમ્યાન નાન-ઇન નામનો ઝેન ફકીર થઇ ગયો. તેની પાસે ઝેન વિશે જાણવા મહાવિધાલયના એક વિધ્વાન પ્રાધ્યાપક આવ્યા. નાન-ઇન મઠનાં આંગણામાં બેસી સવારની હળવાશ અને ચા પીતા હતા. તેમણે મહેમાનને પણ પ્યાલો આપ્યો અને પછી કીટલીથીચા રેડતા ગયા. રેડતા ગયા, રેડતા ગયા. પ્યાલો ભરાઇ ગયો.  છલકાવા લાગ્યો પણ તેઓ અટક્યા નહી. પ્રાધ્યાપકથી ન રહેવાયું તેમણે નાન-ઇનને કહ્યુ: “બસ હવે, ચા ઢોળાય છે. પ્યાલામાં સમાય તેમ નથી.” નાન-ઇન કહે: “આ પ્યાલાની જેમ જ તમે પણ તમારા અભિપ્રાયો અને ધારણાઓથી છલકાવ છો – ઉભરાવ છો. તમને હું ઝેન વિશે શી  રીતે જણાવું? પહેલા તમારો પ્યાલો ખાલી તો કરો.”

સાંજે સ્મૃતિની ધૂળ ખંખેરી અને સવારે તાજા બની નવું જીવન આવકારવું તે ઝેન. ઝેન શોધવું એટલે ઘોડા પર બેસી ઘોડો શોધવા નીકળવું. ઝેન વિચારોમાં નહી, ઘટનાઓમાં જીવેછે. ઝેનને જોવા માગશો તો દેખાશે નહી, સાંભળવા માગશો તો સંભળાશે નહી. સ્પર્શવા માગશો તો કળાશે નહી.પણ જો તેને જીવવા માગશો તો તે અઢળક છે. આમ જુઓ તો:

જે સામે હોય તેની ખોજ શેની?

જે સર્વત્ર હોય તેનો સંગ્રહ શેનો?

જે છલોછલ છે તેને જાણવું- સમજવું શું?

(“અનહદ બાની” –સુભાસ ભટ્ટ)

Leave a comment